જય શ્રી બાવાજી

મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાના કાંસા ગામના વણકરવાસમાં આવેલું પૂજનીય શ્રી બાવાજી નું મંદિર દલિત સમાજ માટે મહત્વનું મંદિર છે. ઝાંઝરકામાં આવેલ સંત શ્રી સવૈયાનાથનું મંદિર પણ ગુજરાતના દલિતો માટે મહત્વનું મંદિર છે. કાંસા ગામે આવેલ આ શ્રી બાવાજીના મંદિરની વિશેષતા આગવી છે. કોઈપણ મંદિરમાં મુર્તિ લાવી પ્રાણપ્રતિષ્ઠાન કરવામાં આવે છે અથવા તો કોઈ સંતપુરુષના સ્વર્ગવાસ બાદ તેમની અંતિમક્રિયા થયેલ હોય તે જગ્યાએ મંદિર કે દેવસ્થાન બનાવવામાં આવે છે પરંતુ કાંસા ગામના વણકરવાસમાં આવેલ શ્રી બાવાજીના મંદિરનો ઇતિહાસ જુદા જ પ્રકારનો છે. આ મંદિરનો ઇતિહાસ કોઈ દંતકથાને આધારે લખવામાં આવેલ નથી પરંતુ એક સત્ય હકીકત છે જે આ પ્રમાણે છે.

ઈ.સ.ર000 પૂર્વે બસો પચાસથી ત્રણસો વર્ષ વચ્ચેની એક સત્ય ઘટના છે. દલિત સમાજની પરંપરા મુજબ એ જમાનમાં વાહન વ્યવહાર ઓછો હોવાનો કારણે કોઈ સાધુ, સંતપુરુષ કે અતિથિને દલિત મહોલ્લામાં રોકાઈ જવું પડતું ત્યારે મહોલ્લાના નિયમ મુજબ આવા વ્યક્તિ કે વ્યક્તિઓનું રહેવાનું અને જમવાનું મહોલ્લાના ખર્ચે થતું. આવા સાધુ, સંતપુરુષ કે અતિથિને તેમની માંગણી મુજબ સમગ્ર મહોલ્લાના ભંડોળમાથી દક્ષિણા આપવામાં આવતી હતી.

એક દિવસે આ દક્ષિણા એક અતિથિને તેની માંગણી મુજબ મળેલ નહીં જેના કારણે આ વ્યક્તિએ તેની મેલી વિદ્યાનો ઉપયોગ ગામના વણકર સમાજ પર કર્યો. જેના કારણે ગામના વણકર સમાજ કે જેઓ પોતાનો વંશપરંપરાગત વણાટકામનું કામ કરતાં હતા તેમાં તકલીફ ઉભી થવા લાગી અને હાથશાળ ઉપર ચડાવેલ સુતર અને વણાટ કરેલ તૈયાર કાપડમાં આપમેળે જ ચીરા પડવા(કપાઈ જવા) લાગ્યા .આમ થતાં ગામના વણકરો મુશ્કેલીમાં મુકાઇ ગયા. ગામના વણકરોના બ્રાહ્મણો તરફથી જાણવા મળ્યું કે કોઈ મેલી વિદ્યાથી આમ થાય છે.

આ મેલી વિદ્યામાંથી બચવા માટે ગામના આગેવાન વણકરો વિસનગરમાં ગુંદીખાદમાં આવેલા મંદિરના મહંત પાસે ગયા તો તેમણે સલાહ આપી કે તમારા પર મેલી વિદ્યાનો ઉપયોગ કરવામાં આવેલ છે જેનું નિરાકરણ સેંધણી સેધપુર ગામે બાવાજી ભાંખરો (નાનો ડુંગર) આવેલ છે. ત્યાં એક બાવાજી છે તે તમારું દુ:ખ દૂર કરશે. તેમ કહી ત્યાં જવા સલાહ આપી તેથી ગામના આગેવાન વણકરો શ્રી બાવાજીના ભાંખરમા ગયા.

કાંસા ગામના વણકરો શ્રી બાવાજીના રહેઠાણની જગ્યાએ જતાં જોયું તો એક મહાત્મા સમાધિ લગાવી બેઠા હતા. સૂરજ સમાન તેજસ્વી ચહેરો માથાના સોનેરી વાળ હતા. તેમનો પ્રભાવિત ચહેરો જોઈ વણકરોએ શ્રી બાવાજીને નમસ્કાર કર્યા. પરંતુ કોઈપણ વ્યક્તિની તાકાત શ્રી  બાવાજીની તેજસ્વી આંખો સામે આંખ મિલાવવાની ન હતી. ત્યારબાદ શ્રી બાવાજીએ કાંસા ગામના વણકરોને આવવાનું કારણ પૂછ્યું ત્યારે આ લોકોએ પોતાના પર આવી પડેલ સંકટની તમામ જાણ શ્રી બાવાજી ને કરી અને મેલી વિદ્યામાંથી ઉગારવા શ્રી બાવાજીને વિનંતી કરી. કાંસા ગામના વણકરોની વિનંતીથી આ શ્રી બાવાજી તેઓની સાથે કાંસા ગામે પધાર્યા અને પોતાની અધ્યાત્મિક શક્તિ વડે કાંસા ગામના વણકરો પર કરવામાં આવેલ મેલી વિદ્યા દૂર કરી. આ કામગીરીથી પ્રભાવિત થયેલા ગામના વણકરોએ  પોતાના તારણહાર માની લીધા અને  પોતાની પાઘડીઓ ઉતારી વંદન કર્યા.

વણકરોનું આ દુ:ખ દૂર કર્યા પછી અત્યારે શ્રી બાવાજીનું મંદિર છે તે જગ્યા એ સમાધિ લગાવી અને વણકરોને જણાવ્યુ કે હું આ જગ્યાએ સાડા ત્રણ દિવસ સુધી ધ્યાન લગાવું છું. આ સમય દરમ્યાન મને અડચણ ન કરવી તેમ કહ્યું. શ્રી બાવાજી ધ્યાનમાં બેઠે ત્રણ દિવસ થતાં ગામમાં ચર્ચા થવા લાગી કે કોઈ વ્યક્તિ ખાધા પીધા વિના આટલા દિવસ જીવી શકે ખરા ? અને તેઓ એ માની લીધું કે શ્રી બાવાજી નો સ્વર્ગવાસ થયેલ છે. આમ માની તેમણે શ્રી બાવાજી એ જે જગ્યાએ ધ્યાન ધરેલ તેની બાજુમાં શ્રી બાવાજીની અંતિમ ક્રિયા કરવા માટે ખાડો ખોદી દફનાવવાની કાર્યવાહી કરવા વિચાર્યું.

આ સમય દરમિયાન શ્રી બાવાજી તેમની સમાધિ (ધ્યાન) માંથી બહાર આવતા તેમણે પોતાની પાસે ખોદેલ ખાડા વિશે વણકરોને પૂછ્યું તો કાંસા ગામના હાજર વણકરો આ વિશે કોઈ  જવાબ આપી શક્યા નહીં અને નીચા મસ્તકે મૌન રહ્યા. શ્રી બાવાજીએ આ બાબતે ફરી પુછતાં ગામના વણકરો શ્રી બાવાજીના ચરણે પડી ગયા અને કહ્યું કે બાવાજી અમે આપનો સ્વર્ગવાસ થયેલ છે એમ માની આ ખાડો ખોદેલ છે તેમ જણાવ્યુ. આ સાંભળતા શ્રી બાવાજી આ વણકરો પર ગુસ્સે થઈ ગયા અને કાંસા ગામનાં વણકરો ના આ પગલાંને કાયરતાપૂર્વકનું કાર્ય ગણાવી ઠપકો આપ્યો.

શ્રી બાવાજીનો ગુસ્સો જોતાં જ તેમજ પોતાની ભૂલ સમજાતા વણકરો એ માથાની પાઘડીઓ ઉતારી શ્રી બાવાજીના ચરણે પડી ગયા અને શ્રી બાવાજીની માફી માંગવા લાગ્યા.

sam
img_20180727_184346

ભોળા વણકરોના ભોળપણનો શ્રી બાવાજીને ખ્યાલ આવી ગયો અને ભવિષ્યમાં આવી ઉતાવળ ન કરવા જણાવ્યુ. ત્યારબાદ શ્રી બાવાજીએ જણાવ્યુ કે આ ખાડો જે કામ માટે ખોદેલો છે તે કામ હું પુર્ણ કરું છું અને તે ખાડામાં હું સમાધિ લઉં છું તેવી જાહેરાત કરી.

શ્રી બાવાજીના આ શબ્દો સાંભળી વણકરો પર આભ તૂટી પડ્યું હોય તેવી વેદના થઈ અને પોતાની ભૂલના કારણે આ મહાત્મા શ્રી બાવાજી જીવતા જ સમાધિ લેવાની વાત કરે છે તે તેમના માટે દુ:ખની વાત હતી. શ્રી બાવાજીને સમાધિ નહીં લેવા વણકરોએ ખૂબ જ આજીજી કરી છતાં શ્રી બાવાજીએ પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને શ્રી બાવાજીએ વણકરોને સમાધિ લેવા માટેની તૈયારી કરવા જણાવ્યુ.

શ્રી બાવાજીએ ગામનાં વણકરોને તેમના રક્ષણ, વિકાસના આશીર્વાદ આપ્યા. આંખમાં આંસુ સાથે શ્રી બાવાજીના જય ઘોષ કરતાં દલિતોની વિશાળ મેદની વચ્ચે આ સંતપુરુષ શ્રી બાવાજીએ દશેરા (વિજયાદશમી) ના દિવસે આજે જે મંદિર આવેલ છે તે જગ્યાએ જીવતા જ સમાધિ લીધી અને અમર બની ગયા.

આ મહાન સંતપુરુષ શ્રી બાવાજીની યાદમાં ગામનાં વણકરોના તમામ ઘરમાથી શ્રી બાવાજીની સમાધિ પર નૈવેધ તરીકે રાંધેલા ચોખા (ભાત ) દશેરા (વિજયાદશમી) ના દિવસે ચઢાવવામાં આવે છે અને કાંસા  ગામના કોઈપણ વણકર સોલંકીના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થાય તો તે સોલંકીભાઈ ભારતમાં ગમે તે જગાએ રહેતા હોય છતાં આ દશેરા (વિજયાદશમી) ના દિવસે કાંસા ગામે આવી જન્મેલ પુત્રની ખુશાલીમાં શ્રી બાવાજીની સમાધિ પર ચાદર ચઢાવે છે તેમજ રાંધેલા ચોખા (ભાત ) નૈવેધ તરીકેચડાવે છે.

આ શ્રી બાવાજીની સમાધિના દર્શન કરવા માટે ઘણા લોકો આવે છે અને શ્રધ્ધાપૂર્વક શ્રી બાવાજીની સમાધિને નમન કરે છે. ગામનાં વણકર સમાજ માટે આ મંદિર અડગ શ્રધ્ધાનું મંદિર બની ગયેલ છે. ગામનાં વણકરોને આ શ્રી બાવાજીની સમાધિમાં એટલી શ્રધ્ધા છે કે જ્યારે તેઓ  સામે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં શ્રી બાવાજીના નામનું સ્મરણ કરે છે તો આવી પડેલ સંકટ દૂર થાય છે જ. શ્રી બાવાજી બાલ બ્રહ્મચારી હતા જેના કારણે આ મંદિરમાં ફકત પુરુષો જ પ્રવેશ કરે છે. સ્ત્રીઓ મંદિરના દરવાજા આગળ ઉભા રહી દર્શન કરે છે.

સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ એક એવી જીવંત સમાધિ છે કે જે સમાધિ જીવતા જ શ્રી બાવાજીએ લીધેલ છે.  શ્રી બાવાજીની યાદમાં ગામનાં વણકરોએ ૮૦ વર્ષ પહેલા ભંડારો કરેલ જેના કારણે આજે પણ કોઈપણ મહાત્માની યાદમાં ભંડારો કરવામા આવે તો આ સમાધિ સ્થળને ચોક્કસ યાદ કરવામાં આવે છે. આ શ્રી બાવાજીના આશીર્વાદને કારણે કાંસા ગામનાં કોઈપણ વણકર ભાઈના ઘરમાં મેલા દેવ દેવીઓના પૂજન કરવામાં આવતા નથી કે કોઈપણ મેલી શક્તિ હરાવી શકતી નથી કે નુકશાન કરી શકતી નથી.

હાલના આ મંદિરની જગાએ જીવંત સમાધિ લેનાર શ્રી બાવાજી  ગામ  સેંધણી (તાલુકા ખેરાલુ) મુકામે આવેલ ભોંખરામાં રહેતા હતા. અત્યારે આ ભોંખરો શ્રી બાવાજીના ભોંખરા તરીકે ઓળખાય છે અને તીર્થધામ તરીકે જાણીતું સ્થળ છે.

આ શ્રી બાવાજી કાંસા ગામના વણકરોના કંઠીગુરુ શ્રી રણછોડદાસ ભગવાનદાસ જેમનું મૂળ ગામ વડદલા ખંભાત પાસે આવેલું છે તેમના પણ ગુરુ હતા.

આ સૂરજ સમાન તેજસ્વી ચહેરો ધરાવતા શ્રી બાવાજીના માથે સોનેરી જટા હતી. પહેરવેશમાં લંગોટ હતી. પગમાં લાકડાની ચાખડીઓ પહેરતા અને હાથમાં જેડી રાખતા. આવું બાવાજીનું દિવ્ય સ્વરૂપ હતું.

કાંસા ગામના વણકરોએ  શ્રી બાવાજીને પોતાના ગુરુજી માની લઈ હાલમાં તેમની ગુરુજી તરીકે પૂજાઅર્ચના કરવામાં આવે છે અને દર ગુરુપૂર્ણિમાના દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને સાંજે મહાઆરતી કરવામાં આવે છે.

આવા દિવ્ય પુરુષ પૂજનીય શ્રી બાવાજી ( ગુરુજી )ને કોટિ કોટિ વંદન…

શ્રી ગુરુજીના મંદિરનો વહીવટ ગામના વણકરોમાં સોલંકી ભાઈઓ કરે છે.સોલંકી ભાઈઓ નો  ઉલ્લેખ એટલા માટે કરવામાં આવે છે કે ગામના વણકરોમાં સોલંકી તેમજ મકવાણા એમ બે અટકો છે. બન્ને અટકના વણકર ભાઈઓ  જુદા જુદા વહેવાર કરે  છે. જો કે સોલંકી, મકવાણા અટકો જુદી હોવા છતાં તેમનામા કોઈ મતભેદ નથી અને સંપીને રહે છે. એકબીજાના પ્રસંગોમાં હાજરી પણ આપે છે.

ગામના સોલંકી ભાઈઓ એકજ કુટુંબના વારસદારો છે.

ગુરુજીનું આ મંદિર સોલંકી ભાઇઓના બાપદાદાઓએ બંધાવેલ છે.સમાધિની પૂજા આરતી તથા મંદિરનો વહીવટ પણ સોલંકી ભાઈઓ જ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુરુજીના આ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે પાઠ કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે સોલંકી ભાઈઓ મંદિરમાં મળી આવક જાવકનો હિસાબ કરે છે અને મહોલ્લાના નિયમો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ પ્રણાલીકા વર્ષોથી ચાલી આવે છે.

કચ્છ જીલ્લાના કકરવા ગામમાં આવેલ કેવલ સેવાધામ આશ્રમના મહંતશ્રી ૧૦૮ કેવલદાસ બાપુની પધરામણી કાંસા ગામના સોલંકી પરિવારના ઘરે કરવામાં આવેલ ત્યારે આ બાપુએ આ સમાધિ સ્થળની મુલાકાત લીધેલ ( સને ૧૯૯૬) અને આ શ્રી બાવાજી (ગુરુજી) ની સમાધિ જોઈ પ્રભાવિત થયેલા અને સમાધિને નમન કરી કહેલ કે “ આ સમાધિ સ્થળનું દર્શન કરી હું મારી જાતને ધન્ય માનું છું. આ દિવસને મારી જીંદગીનો શ્રેષ્ઠ દિવસ માનું છે” આમ કહી કેવલદાસ બાપુએ શ્રી બાવાજી(ગુરુજી)ની સમાધિ પર જાતે જ શ્રીફળ ચઢાવેલ. સંતપુરુષ પૂજનીય શ્રી ચેતનદાસ બાપુ પણ જ્યારે કાંસા ગામે આવતા ત્યારે શ્રી બાવાજી (ગુરુજી) ની સમાધિના અવશ્ય દર્શન કરતા હતા .